ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું: ચાઇનીઝ દોરી અને તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ.- uttrayannews

#uttrayannews #ahemedabadpolice #factjournalism #ahemedabad

uttrayannews – આગામી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે. આ તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક જાહેરનામું બહાર પાડીને કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
​આ પ્રતિબંધો તા. ૧૩/૧૧/૨૦૨૫ ના ૦૦:૦૦ કલાકથી તા. ૧૧/૦૧/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક (કુલ ૬૦ દિવસ) સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે.
​🛑 પ્રતિબંધિત કૃત્યોની યાદી:
​આ જાહેરનામા મુજબ, નીચેના કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે:
​૧. ખતરનાક રીતે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ
​જાહેર રસ્તા, ફૂટપાથ કે જોખમી ધાબા પર ઊભા રહીને પતંગ ઉડાડવા નહીં.
​૨. ચાઇનીઝ દોરી અને તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ
​નાયલોન, સિન્થેટિક, પ્લાસ્ટિક, કાચનો પાવડર કે અન્ય હાનિકારક પદાર્થો વાપરીને બનાવેલી નોન-બાયોડિગ્રેડેબલ દોરી (જેમ કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંઝા) ના ઉત્પાદન, આયાત, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
​ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ (સ્કાય લેન્ટર્ન) ના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા પર પણ પ્રતિબંધ છે.
​ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ચાઇનીઝ માંઝા/દોરી કે ચાઇનીઝ તુક્કલનું ખરીદ-વેચાણ કરી શકાશે નહીં.
​શા માટે? ચાઇનીઝ દોરીથી માણસો અને પક્ષીઓને ગંભીર ઈજાઓ થાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. તુક્કલ ગમે ત્યાં પડવાથી આગ લાગવાનો અને જાન-માલને નુકસાન થવાનો ભય રહે છે.
​૩. ટ્રાફિક અને સુરક્ષાને લગતા પ્રતિબંધો
​કપાયેલા પતંગ-દોરા પકડવા માટે લાંબા વાંસ, ઝંડા કે લોખંડ-ધાતુના તારના લંગર બનાવીને જાહેર રસ્તાઓ, શેરીઓ કે ગલીઓમાં દોડાદોડી કરવી નહીં.
​ટેલિફોન કે વીજળીના તાર પર વાંસ કે ધાતુના લંગર નાખીને પતંગ કે દોરી કાઢવાના પ્રયાસો કરવા નહીં, જેનાથી શોર્ટ સર્કિટ કે અકસ્માત થવાનો ભય રહે છે.
​જાહેર માર્ગો પર ગૌપાલકો દ્વારા ઘાસચારાનું વેચાણ કરવું નહીં અને લોકો દ્વારા ઘાસચારો ખરીદીને ગાયો/પશુઓને નાખી ટ્રાફિક અવરોધ ઊભો કરવો નહીં.
​૪. ધ્વનિ પ્રદૂષણ અને ભાવના દુભાય તેવા કૃત્યો
​આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.
​લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાડવા નહીં.
​✅ કોટનના દોરા/માંઝા અંગે સ્પષ્ટીકરણ
​ગુજરાત હાઈકોર્ટના આદેશને આધારે, પતંગ ઉડાડવા માટે કોટન (સૂતર) ના દોરા/માંઝા અંગે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે:
​પતંગ ચગાવવા માટે માત્ર પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનેલો, સંપૂર્ણપણે તૂટી શકે તેવો (બાયો-ડિગ્રેડેબલ) કોટનનો માંજો જ વાપરી શકાશે.
​આવા માંઝામાં ચોખાનો લોટ, મેંદો, ગુંદર જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરવાનો રહેશે.
​કોટિંગ માટે કાંચના પાવડરનું પ્રમાણ કુલ કોટનના માંઝાના વજનના ૦.૫% થી વધુ ન હોવું જોઈએ.
​🚨 ભંગ કરનારને સજા
​આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
​અમદાવાદ શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ ઉત્તરાયણની ઉજવણી માટે આ જાહેરનામાનું પાલન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *