ahmedabadnews – અમદાવાદઃ શહેરના ઘાટલોડિયામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 35 વર્ષ જૂની સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. સોસાયટીમાં રહેતા 25 પરિવારોએ સરકાર પાસે મકાનની માગ કરી છે.
1986માં તૈયાર થયેલી આ સોસાયટીને અંજના બિલ્ડર દ્વારા બનાવવામાં આવી હતી. કાંતિભાઈ નામના બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવીને ONGCના કર્મચારીઓને મકાનો વેચાયા હતા. વર્ષો પહેલા બિલ્ડરને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. ફાળવેલા પ્લોટની જગ્યાએ બિલ્ડરે અન્ય કોઈને મળેલા પ્લોટ પર મકાનો બનાવીને વેચી દીધા હતા.
2006માં સમાચાર પત્ર દ્વારા સોસાયટીના રહીશોને ખ્યાલ આવ્યો કે, સોસાયટી અન્ય કોઈ બિલ્ડરના પ્લોટ પર બનાવવામાં આવી છે. અન્ય બિલ્ડર પ્લોટ પાછો માગતા પ્લોટ પર સોસાયટી બની છે, તેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. નીચલી કોર્ટમાંથી રહીશોને 3.71 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાનું કહેવામાં આવ્યું હતું. આ રૂપિયા બિલ્ડરે ભર્યા પણ હતા. પરંતુ પ્લોટ જે બિલ્ડરનો હતો તેને હજુ સુધી કોઈ અન્ય પ્લોટ ફાળવવામાં ન આવતા મુદ્દો ફરી ઉછળ્યો હતો.
આ બાબતે સોસાયટીના રહીશો CM સુધી રજૂઆત કરવા પહોંચ્યા છે. CM દ્વારા એકતા ફ્લેટમાં ત્રણ બીએચકે ફ્લેટ આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ ફ્લેટ આપવામાં આવ્યો નથી અને કોર્પોરેશન ડિમોલિશનની નોટીસો મોકલ્યા રાખે છે.
આજે AMCની ટીમ સોસાયટીમાં ડિમોલિશન કરવા પહોંચી હતી. સોસાયટીના રહીશો દ્વારા વિરોધ ઉઠાવતા 16 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે. ત્યારબાદ ત્યાંના તમામ પાણી અને વીજળી ના કનેક્શન કાપી લેવામાં આવશે.
લોકોની માગ છે કે, તેમની પાસે તમામ દસ્તાવેજ છે, લોન ભરેલી છે છતાં મકાન કેમ છોડવા પડે? બિલ્ડરને ખરેખર પ્લોટ મળ્યો હતો, ત્યાં બિલ્ડર દ્વારા સ્કિમ પાડીને તેને વેચી દેવામાં આવી હતી. બિલ્ડરે પોતાના અને કોઈ બીજાના બંને પ્લોટ પર સોસાયટી બનાવીને મકાનો વેચી દીધા છે.
હવે અહીં સુપ્રીમ કોર્ટમાં મુદ્દો પહોંચતા સોસાયટીને 41 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાની વાત કરવામાં આવી છે. સોસાયટીના રહીશો કંટાળ્યા છે અને ત્યાં રહેતા 25 પરિવારોમાંથી 23 તો વૃદ્ધ છે. તેમને જીવનના આ સ્તરે પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.
